Deepak Trivedi
10/10/2025
એક ગઝલ
ઝીલ માનવા ઘા ... દીપક ત્રિવેદી
અહર્નિશ ગીત રમણા ગા વગાડી ઢોલ-તંબૂરો
ગગનગોખેથી અમૃત પા વગાડી ઢોલ- તંબૂરો
જડે જો રૂપ તારું તો પ્રથમ એને જગાડીને-
તું ઝળહળ જામ પીતો જા વગાડી ઢોલ-તંબૂરો
યમુના- ઘાટ જે લોકો રહે વૃક્ષો પહેરીને
પ્રતીક્ષા એમની તું થા વગાડી ઢોલ- તંબૂરો
ઘણો તે દાવ દીધો છે જીવનની આ રમતમાં તો
હવે પાછો લઈ લે દા વગાડી ઢોલ- તંબૂરો
ઘણાએ ઘાવ એવા છે નથી એના હિસાબો પણ
વધારે ઝીલ મનવા ઘા વગાડી ઢોલ- તંબૂરો
.. દીપક ત્રિવેદી
ખિસ્સામાં ગુલાલ .... દીપક ત્રિવેદી
ખિસ્સામાં રાખજો ગુલાલ
જેમ જેમ બારણાઓ ઉઘડતાં જાય એમ છાંટી દો એનાં પર વહાલ !
ચંદન તલાવડીનાં છલકાતાં નીર જેમ માણસને ભેટવાનું હોય
એકમેક ખભ્ભાનાં હીંચકે હિચકતાં સૌ માણસમાં ઉગવાનું હોય
જાજમ પથરાવજો ને લાલ
શ્યામ રંગ ડાબામાં શ્વેત બધો જમણામાં છાંટી ને કરજો કમાલ
ખિસ્સામાં રાખજો ગુલાલ
મનનાં પારેવાને ઊડવાને દેજોને, બેસવાને ટગલી કોઈ ડાળ
અંદરથી ઊઠેલાં રોમરોમ પુગેલાં મોજાને દેજો ઉછાળ
માનવ છે માનવની ઢાલ
ઝરણાં,પર્વત અને નદીઓની જેમ કરો માનવની જાત તમે ન્યાલ
ખિસ્સામાં રાખજો ગુલાલ
જેમ જેમ બારણાઓ ઉઘડતાં જાય એમ છાંટી દો એનાં પર વહાલ !
... દીપક ત્રિવેદી
Click here to claim your Sponsored Listing.